રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવન અને ચિરંતન રસાયણ સંસ્થા (CRS)ના સંયુક્ત ઉપક્રમે 8થી 10 જુલાઈ દરમિયાન “સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રીઝ: ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી” વિષય પર આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિસંવાદ ‘રસાયણ-23’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાઇબોઝોમની રચના અને કાર્ય અંગેના સંશોધન માટે વર્ષ 2009 માં રસાયણશાસ્ત્ર માટેનું નોબલ પ્રાઈઝ મેળવી ચૂકેલા વેંકી વેંકટરામન કી નોટ સ્પીકર તરીકે માર્ગદર્શન આપશે.
કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, હાઇબ્રિડ સ્વરૂપે યોજાનારા આ પરિસંવાદમાં દેશ-વિદેશના વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ ભાગ લેશે. વિવિધ આધુનિક વૈજ્ઞાનિક વિષયો પર વ્યાખ્યાનો, સંશોધનપત્રો, પોસ્ટર પ્રેઝન્ટેશન અને યુવા સંશોધકો માટે ઇન્ટરેક્ટિવ સત્રો યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ આ પરિસંવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાતને વૈશ્વિક વૈજ્ઞાનિક ક્ષેત્રે નવી ઓળખ અપાવશે.
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડૉ. મોનાલી માકડીયાએ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. ઇમરજન્સી વોર્ડમાં દર્દીને સ્ટ્રેચર માટે સર્વન્ટ કર્મચારી ગેરહાજર હોવાનું સામે આવતા એજન્સીના એચઆરને તાત્કાલિક કર્મચારી ઉપલબ્ધ કરાવવા સૂચના અપાઈ હતી. આ સાથે જ સ્વચ્છતા, સ્ટાફની હાજરી અને હોસ્પિટલની માળખાકીય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન હોસ્પિટલ બહાર સૂતા એક દર્દીને માનવતાના ધોરણે ફરી દાખલ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી.
રૂડાની 182મી બોર્ડ બેઠક મળી રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની 182મી બોર્ડ બેઠક ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં બેડી અને આણંદપર-સોખડા વિસ્તારની નગર રચના યોજનામાં સુધારા તેમજ નવી ટીપી સ્કીમ જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉપરાંત તરઘડીથી બાઘી ગામ સુધીના આશરે 2.50 કિમી રોડનું રૂ. 6.84 કરોડના ખર્ચે નિર્માણ કરવાની મંજૂરી પણ આપવામાં આવી હતી