રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા દારૂની સપ્લાય કરતા બુટલેગર ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી ગેંગના 20 શખ્સો સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હાલ પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે જયારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સહીત 6 આરોપી જુદા જુદા ગુનામાં જેલમાં બંધ હોવાથી તેનો જેલમાંથી કબ્જો મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવશે જયારે ફરાર 4 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ, મારામારી દારૂ જુગાર જેવા ગુના મળી કુલ 272 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં નાના બુટલેગર સુધી દારૂ પહોંચાડતા બુટલેગરો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી સહીત 20 શખ્સો દ્વારા છેલ્લા 10 વર્ષમાં 272 ગુના આચરવામાં આવ્યા છે. આ ગુનામાં પોલીસે હાલ 10 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી ફિરોઝ ઉર્ફે ફીરીયો સંધી સહીત 6 શખ્સો જેલમાં બંધ હોવાથી તેનો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જયારે 4 આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.