ધોરાજી શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને જેતપુર રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પાણી ભરાવાને કારણે રસ્તા પર વાહનોની અવરજવર ધીમી પડી હતી, જેના લીધે અનેક વાહનચાલકોને મુશ્કેલીનો અનુભવ થયો હતો.
જેતપુર રોડ પર આવેલી દુકાનોમાં પણ ગ્રાહકોની અવરજવર પ્રભાવિત થતાં વેપારીઓને નુકસાન થયું હતું.સ્થાનિકોના મતે, દર વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ વર્ષે પણ પરિસ્થિતિ યથાવત રહેતા પ્રી-મોન્સૂન કામગીરીની અસરકારકતા સામે સવાલો ઉભા થયા છે.
વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રોડ જળબંબાકાર બનતા સ્થાનિકો અને વેપારીઓએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે તંત્રને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અસરકારક આયોજન કરવા અને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.