સાસરીયાનાં ત્રાસથી પરિણીતાનો આપઘાત

રાજકોટના બી ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જેમાં દીકરીના લગ્ન કરાવીને સુખી સંસારના સપના જોતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. લગ્નના માત્ર બે જ દિવસ બાદથી સાસરીયાઓ દ્વારા શરૂ થયેલા અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસના કારણે, એક નવપરણીતાએ આખરે કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધોનો વિરોધ કરવા જતાં, સાસરીયાઓએ બહેનને મેણા-ટોણા મારી મરવા મજબુર કર્યાનો આરોપ પરિણીતાનાં ભાઈએ લગાવ્યો છે. અને આ મામલે રાજકોટના બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નના બે-ત્રણ દિવસમાં જ સાસરીયાઓએ અસલી રંગ બતાવ્યો આ હૃદયદ્રાવક ઘટના અંગે આણંદ રહેતા પરિણીતાના ભાઈ કેતનભાઈ જગદીશભાઈ પ્રજાપતિએ બહેનને મરવા માટે મજબૂર કરનાર સાસરીયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, તેમની બહેનના લગ્ન રાજકોટમાં રહેતા અજયભાઈ સાથે ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. પરિવારને આશા હતી કે દીકરી સાસરે જઈને સુખી થશે, પરંતુ લગ્નજીવનની શરૂઆત થતાં જ દીકરીના નસીબમાં દુઃખના પહાડો સિવાય કાંઈ ન હતું. લગ્નના માંડ બે-ત્રણ દિવસ પસાર થયા ત્યાં જ સાસરીયાઓએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું હતું.

પતિના અફેરની જાણ થતાં પરિણીતા પર અત્યાચાર ગુજારવા લાગ્યા બહેનની આત્મહત્યા પાછળનું મુખ્ય અને ચોંકાવનારું કારણ તેના પતિના લગ્નેતર સંબંધો હતા. લગ્ન બાદ તુરંત જ ભોગ બનનારને જાણ થઈ ગઈ હતી કે તેના પતિ અજયને કોઈ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ એટલે કે અફેર ચાલી રહ્યું છે. જ્યારે આ બાબતે તેણીએ વિરોધ નોંધાવ્યો અને પતિને સુધરી જવા માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઘર સંસાર વસાવવાની વાત તો દૂર રહી, સાસરીયાઓએ એક સંપ થઈને બહેન પર જ અત્યાચાર ગુજારવાનું શરૂ કરી દીધું હતું. પતિના અફેરની વાત બહાર ન આવે તે માટે તેના ઉપર સતત દબાણ કરવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *