ચાની ખાલી રકાબીથી જૂનાગઢના વૃદ્ધાની હત્યાનો ભેદ ખૂલ્યો

જૂનાગઢ શહેરમાં પતિ અને પુત્ર સાથે રહેતા વૃદ્ધાની તેના જ ઘરમાં ગળું કાપી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મૃતક વૃદ્ધાના પાડોશમાં જ રહેતા યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવક શેરબજારમાં પૈસા હારી ગયા બાદ વૃદ્ધા માટે ઉછીના માગવા ગયો હતો. જે બાબતે વૃદ્ધા સાથે બોલાચાલી થતા તીક્ષણ હથિયારથી વૃદ્ધાનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. પોલીસને જાણ ન થાય તે માટે આરોપી વૃદ્ધાની અંતિમવિધિમાં પણ હાજર રહ્યો હતો. પરંતુ, પોલીસની તપાસ દરમિયાન ઘરમાંથી ચા પીધા બાદની ત્રણ ખાલી રકાબી મળી આવી હતી. જે બાબતે વધુ તપાસ કરતા પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.

જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં પતિ અને પુત્ર સાથે રહેતા 63 વર્ષીય સુનિતાબેન રાઈજાની તેના જ ઘરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.

ઘરમાંથી મળી આવેલી ચાની ખાલી રકાબી હત્યાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બની સુનિતાબેનની હત્યા બાદ પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાંથી ચા પીધા બાદ ત્રણ ખાલી રકાબી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા બનાવના દિવસે સાંજના સમયે મૃતક મહિલા અને તેના દીકરા દિલીપે સાથે બેસીને ચા પીધી હતી. સામાન્ય રીતે આ ઘરમાં એક કામવાળા બહેન રસોઈ અને વાસણનું કામ કરવા આવતા હતા, જેઓ પોતાનું રોજિંદું કામ પતાવીને જતા રહ્યા હતા. જો કે, ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરતી વખતે પોલીસની નજરે એક બાબત આવી જેમાં રસોડાના પ્લેટફોર્મ પર ચા પીધા બાદ ધોયા વગરની ત્રણ રકાબી પડી હતી. જો કામવાળા બહેન પહેલેથી જ કામ પતાવીને ગયા હોય અને ઘરમાં માત્ર વૃદ્ધા અને તેનો દીકરો જ હાજર હોય, તો આ ત્રીજી રકાબી કોની હતી ? આ સવાલે પોલીસની શંકાની સોય અજાણ્યા મહેમાન તરફ ફેરવી દીધી અને તપાસ વધુ તેજ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *