રાજકોટના લક્ષ્મીનગર શેરી નં.3માં રહેતા વિધવા મહિલા ફરિયાદી આરતીબેન દેવેન્દ્રભાઈ મોરીએ પોલીસને જણાવ્યું હતું કે, આશરે નવ વર્ષ પહેલાં તેમના પતિનું લિવરની બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યારથી તેઓ પોતાના બે સંતાન સાથે સાસરીમાં જ રહે છે.
ગત તા.11/05ના રોજ રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં આરતીબેન અગાશી ઉપર સુવા માટે ગયા હતા. તેમણે પોતાની જેઠાણી ભાવનાબેનને અગાશીની એક બાજુની જગ્યા ખાલી કરવાનું કહેતા મામલો ગરમાયો હતો.
તકરાર વધતા જેઠાણી ભાવનાબેન, જેઠ કમલેશભાઈ અને સાસુ-સસરાએ આરતીબેન સાથે ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. મહિલાને ધક્કો મારી નીચે પાડી દેવામાં આવી હતી. જ્યારે મહિલાએ 112 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી, ત્યારે સાસરી પક્ષના સભ્યોએ ઘરનો દરવાજો બંધ કરી તેમને અંદર આવતા અટકાવ્યા હતા.
આરતીબેને ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે, સાસરી પક્ષના સભ્યો છેલ્લા એક વર્ષથી તેમને અવારનવાર હેરાન કરે છે.”તમે આ મકાનમાં રહેવાનું ભાડું આપો અથવા ઘર ખાલી કરી આપો’ તેમ કહી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
માલવિયાનગર પોલીસે આરતીબેનની ફરિયાદના આધારે સાસુ રંજનબેન પ્રવીણ મેર, સસરા પ્રવીણ હિરજી મેર, જેઠ કમલેશ પ્રવીણ મેર અને જેઠાણી ભાવના કમલેશ મેર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.