રાજકોટમાં શેરીમાં ગાળો બોલવા જેવી બાબતે થોરાળાના ગોકુલપરામાં બે પરિવાર વચ્ચે ધીંગાણુ

રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘર પાસે ગાળો બોલવા અને વીડિયો ઉતારવા જેવી નજીવી બાબતે બે પરિવારો આમને-સામને આવી જતાં શેરીમાં જ વાણી વિલાસ સાથે ધીંગાણું ખેલાયું હતું.

‘ગાળો બોલવાની ના પાડતા ઘરમાં ઘૂસી પાઈપ-લાકડીથી ફટકાર્યા’ ગોકુલપરા શેરી નં-2 માં રહેતા રિક્ષાચાલક કાંતિભાઇ નાનજીભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.12ની રાત્રે તેઓ પોતાના 6 વર્ષના પુત્રને શેરીમાં રમાડતા હતા ત્યારે પાડોશમાં રહેતા હિમાંશુ સોલંકી સહિતના શખ્સો ત્યાં આવી અપશબ્દો બોલતા હતા. જેની ના પાડતા ઝઘડો થયો હતો.

આ ખાર રાખી બીજા દિવસે બપોરે આરોપીઓએ કાંતિભાઇના ઘરમાં ઘૂસી આવી પ્લાસ્ટિકના પાઈપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં કાંતિભાઇ, તેમના પત્ની જ્યોતિબેન અને માતા સોમીબેનને ઇજાઓ પહોંચી હતી, જ્યારે મહિલાઓએ ઇંટોના ઘા કર્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

ફરિયાદમાં આરોપી તરીકે હિમાંશુ સોલંકી, ગુલાબ વીરજી નકુમ, અશોક વીરજી નકુમ, અવિનાશ અશોક નકુમ, જયસુખ જયંતી નકુમ, રાજુ જયંતી નકુમ, દયાબેન અશોક નકુમ અને હંસાબેન જયંતી નકુમના નામ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સામા પક્ષે અવિનાશભાઈ અશોકભાઈ નકુમે નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રિના સમયે આરોપીઓ વીડિયો ઉતારતા હોવાથી તેને રોકવામાં આવ્યા હતા. આ બાબતે મનદુઃખ રાખી બીજા દિવસે બપોરે આરોપીઓએ ધસી આવી ગાળાગાળી કરી હતી.

કાંતિ ચૌહાણે છરી વડે હુમલો કરી નાકના ભાગે ઇજા પહોંચાડી હતી, જ્યારે અન્ય શખ્સોએ લોખંડના સળિયા અને ડોલ વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં અવિનાશના દાદી હંસાબેન અને ફુઈ ભારતીબેનને પણ મૂઢમાર મારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *