ગોંડલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો ગળા ફાંસો

ગોંડલના ભગતપરા વિસ્તારમાં રહેતા અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય યુવાને ગત મોડી રાત્રે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. જોકે, ઘટનાસ્થળે યુવાનના પગ જમીનને અડતા હોવાથી મોતનું કારણ વધુ સ્પષ્ટ કરવા પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલના ભગતપરા શેરી નં. 11/2 ના ખૂણે રહેતા ગૌરવ નથુરામભાઇ દુધરેજીયા (ઉ.વ. 40)એ મોડી રાત્રે પોતાના ઘરના દરવાજાની બારસાખમાં ચુંદડી વડે ફાંસો ખાઈ લીધો હતો. ગૌરવભાઈ રાત્રે ઘરની બહાર ખાટલો ઢાળીને સૂતા હતા, પરંતુ રાત્રિના સમયે તેમના નાના ભાઈ જાગી જતાં તેમણે ગૌરવભાઈને લટકતી હાલતમાં જોયા હતા.

બનાવની જાણ થતા જ ગોંડલ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં ગૌરવભાઈના પગ જમીન પર અડેલા જોવા મળ્યા હતા, જે સામાન્ય રીતે ગળાફાંસો ખાવાના કિસ્સામાં શંકા જન્માવે છે. આથી, પોલીસે કોઈપણ પ્રકારની શંકા ન રહે તે માટે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલી આપ્યો છે.

મૃતક ગોંડલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સેવા આપતા હતા.ગૌરવભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે.

પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *