મનપામાં પ્રજાના પૈસે વીઆઇપીને પીરસાતા મનગમતા ભોજનને લાગી બ્રેક

રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમો અને મિટિંગો સહિતના આયોજન દરમિયાન એજન્સીઓ, વીઆઇપીઓ તેમજ નેતાઓને મનગમતા નાસ્તા અને ભોજન પીરસવા માટે તમામ પ્રકારની વાનગીઓનો રસથાળ તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ખર્ચ વધારે લાગતા હાલ પૂરતું આયોજન પડતું મૂકવામાં આવ્યું હોવાનું આરોગ્ય શાખામાંથી જાણવા મળ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રજાકીય તથા રાજકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે કાર્યક્રમો અને પ્રોજેક્ટ અંતર્ગત મિટિંગો પણ યોજાય છે.

આ કાર્યક્રમોમાં આવતા સરકારી ઓફિસરો તેમજ રાજકીય નેતાઓ તથા ધારાસભ્યો, મંત્રીઓ સહિતનાઓને પ્રજાના પૈસે મનગમતા ભોજન પીરસવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયા દરમિયાન જાણવા મળ્યું કે, આ મેનુ મોંઘું પડી રહ્યું છે અને કોઈ એજન્સી સસ્તામાં કામ કરવા તૈયાર નથી. આથી હાલ આ આયોજન પડતું મૂકાયું છે.

સરકાર દ્વારા આંગણવાડી અને મધ્યાહ્ન ભોજનમાં બાળકોને પીરસવામાં આવતા ભોજન માટે મામૂલી રકમ ફાળવવામાં આવી રહી છે અને વાનગીઓ પણ મર્યાદિત રાખવામાં આવી છે. જેની સામે પ્રજાના પૈસે જલ્સા કરતા રાજકીય આગેવાનો અને મોટા ઓફિસરો માટે મસમોટું દરેક રાજ્યોની વાનગી મુજબનું મેનુ તૈયાર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *