શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારોમાના એક એવા ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે આજે બપોરે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સિટી બસ સ્ટેન્ડ નજીક ઊભેલા 65 વર્ષીય વૃદ્ધને પૂરપાટ ઝડપે આવેલી એસટી બસે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ, ભરતભાઈ કામદાર(ઉં.વ.65) નામના વૃદ્ધ સોમવારે બપોરે આશરે ત્રણ વાગ્યાના અરસામાં ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. તે દરમિયાન પસાર થતી એસટી બસે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, ભરતભાઈને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
અકસ્માત બનતા જ આસપાસના લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
બનાવની જાણ થતાં એ-ડિવિઝન પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી અકસ્માત કઈ પરિસ્થિતિમાં સર્જાયો અને બસ ચાલકની બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.