રેસકોર્સમાં બિલાડી જેવડાં ઉંદરોનો ત્રાસ, ડરથી સહેલાણીઓની સંખ્યા ઘટી જતાં મનપા ઉપદ્રવ અટકાવવા કરશે કેમિકલ પ્રયોગ

રાજકોટના વર્ષો જૂના શહેરીજનોના માનીતા રેસકોર્સમાં છેલ્લા ઘણા સમયથી ઉંદરોનો ત્રાસ વધી જતા સહેલાણીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો અને આ મુદ્દે રજૂઆતો થતાં મનપાએ કેમિકલ દ્વારા તમામ ઉંદરોને તેના દરમાં જ ચૂપ કરવાનો નિર્ણય લીધો છે.

રેસકોર્સના જુદા જુદા ભાગમાં લોકો રોજ ફરવા આવે છે. બહુમાળી ભવન સામેના ગાર્ડનમાં રોજ સેંકડો લોકો વોકિંગ અને કસરત કરવા જાય છે. તે ગાર્ડનમાં ઠેર ઠેર ઉંદરોના ઘર બની ગયા છે. તો અમુક ભાગમાં અવારનવાર પાણી છલકાતું હોય, દરમાંથી ઉંદરો બહાર આવતા રહે છે. બાળકો નાની બિલાડી જેવડા કદના ઉંદરને જોઈને ડરી પણ જાય છે. જેથી સહેલાણીઓની સંખ્યા ઘટી રહી છે.

વૃક્ષોના ક્યારા પગથિયાં હેઠળ પણ માટી ઉંદરોએ ખોદી નાખી છે. ઝાડના મૂળ તેમજ સ્ટ્રીટલાઈટના પોલના ફાઉન્ડેશન નીચે દર બનાવતા દુર્ઘટનાનો ભય ઊભો થયો છે.

ઉંદરોને ખાદ્ય પદાર્થો, શાકભાજી, લોટ ન નાખવા અપીલ કરવામાં આવી છે. છતાં ઘણા લોકો ખોરાક નાંખે છે અને કીડિયારું પણ પૂરે છે. જે કારણે ઉંદરોના દર સતત વધતા જાય છે. એક બે કિસ્સામાં તો ખતરનાક ઉંદરો કરડી ગયાની ઘટનાઓ પણ બની છે, તો રવિવારે પરિવાર સાથે નાસ્તો કરવા બેસતા લોકોના ભોજન પર તો ક્યારેક ઉંદરો સીધો હુમલો કરે છે. જેના કારણે લોકો રેસકોર્સ આવવાનું ટાળી રહ્યા હોય અને ફરિયાદો વધતા તંત્રએ ઉંદરનો ત્રાસ કાયમી દૂર કરવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *