મંદિરે દર્શન કરવા જતા વૃદ્ધ 30 ફૂટ દૂર પટકાયા

શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને કારચાલક માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે માલવિયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

નિત્યક્રમ મુજબ મંદિરે જતી વખતે કાળ ત્રાટક્યો મળતી વિગતો અનુસાર, મૃતક નટવરલાલ હીરાભાઈ રાઠોડ (ઉ.વ. 65) દરરોજ વહેલી સવારે 5 વાગ્યે પોતાના ઘરેથી સાયકલ લઈને કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા જતા હતા. આજે પણ તેઓ તેમના નિત્યક્રમ મુજબ દર્શન માટે નીકળ્યા હતા, ત્યારે મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે કોટેચા ચોક તરફથી આવતી એક પૂરપાટ ઝડપે દોડતી કારે તેમને અડફેટે લીધા હતા.

અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે, નટવરલાલભાઈ જ્યારે સ્વામિનારાયણ મંદિર સામે આવેલા ઝીબ્રા ક્રોસિંગ પરથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કારે તેમને પાછળથી એવી જોરદાર ટક્કર મારી કે તેઓ હવામાં ઉછળીને અંદાજે 30થી 40 ફૂટ દૂર અંડરબ્રિજના ઢાળ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા મોત નીપજ્યું હતું.

કારચાલક અકસ્માત કરી થયો ફરાર સીસીટીવીમાં એ પણ જોવા મળ્યું છે કે, અકસ્માત બાદ કંઈક અથડાયું હોવાનો અહેસાસ થતા કારચાલકે ક્ષણવાર માટે કાર ઊભી રાખી હતી પરંતુ, રસ્તા પર પટકાયેલા વૃદ્ધની મદદ કરવાને બદલે નિર્દય ચાલકે કાર ફરી ભગાવી મૂકી હતી અને એસ્ટ્રોન ચોક તરફ નાસી છૂટ્યો હતો. અન્ય રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા નટવરલાલભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *