જંગલેશ્વરમાં ડિમોલિશનના બે માસ બાદ રોડ બન્યો નહીં

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત ફેબ્રુઆરીમાં વોર્ડ નં. 16ના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટમાં થયેલા દબાણો દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરાયું હતું. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ 23 ફેબ્રુઆરીએ અંદાજે 1500 ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. તંત્રએ ત્યારે એવા દાવા કર્યા હતા કે આ કામગીરીથી વિસ્તારનો નકશો બદલાશે અને 15 મીટરનો પહોળો ટીપી રોડ આકાર લેશે. જોકે, આ ઐતિહાસિક ગણાતા ડિમોલિશનના બે મહિના બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. રોડ બનાવવાની વાત તો દૂર રહી, તંત્ર હજુ સુધી કાટમાળ હટાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે.

રાજકીય પડઘા અને જનતાની નારાજગી વોર્ડ નં. 16ની પ્રજાએ તાજેતરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં શાસક પક્ષ ભાજપ વિરુદ્ધ જે જનાદેશ આપ્યો છે, તેની પાછળ ડિમોલિશન બાદની તંત્રની ઘોર બેદરકારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. લોકોમાં ભારે રોષ છે કે તંત્રએ રહેણાંક મકાનો તોડી તો પાડ્યા, પરંતુ ત્યારબાદ પાયાની સુવિધાઓ આપવામાં ઉદાસીનતા દાખવી છે. આચારસંહિતા લાગુ થાય તે પહેલા પૂરતો સમય હોવા છતાં, 15 મીટરના રોડનું ડિમાર્કેશન કે લેવલિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકો આજે ધૂળ અને પથ્થરો વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વિસ્તાર સાફ કરી દેવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે. ડિમોલિશન બાદ ખડકાયેલો ‘સી એન્ડ ડી’ વેસ્ટ હજુ પણ મોટા ઢગલા સ્વરૂપે ત્યાં જ પડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામગીરી પૂરી થયા બાદ એક પણ ઉચ્ચ અધિકારીએ મુલાકાત લીધી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે પરિવહન ખોરવાયું છે અને પ્રદૂષણ તેમજ ગંદકીનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *