રાજકોટમાં બેડી ચોકડીથી અતિથી દેવો ભવ હોટેલ તરફના રસ્તે રોણકીમાં રહેતાં વૃધ્ધા પર સવારે તેના મોટા દીકરાએ છરીથી હુમલો કરી પડખા અને હાથમાં છરીના ઘા ઝીંકી દેતાં વૃધ્ધાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પત્નીના અવસાનમાં માતા કારણભૂત હોવાનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
દીકરાએ માતાને છરીના ઘા ઝીંક્યા જામનગર મોરબી હાઇવે પર એડીબી હોટેલ નજીક રોણકીમાં રહેતાં લાભુબેન મેરામભાઇ માલકીયા (ઉ.વ.65) નામના વૃધ્ધા સવારે 6 વાગ્યે ઘરે હતાં ત્યારે બાજુમાં જ રહેતાં તેના મોટા દીકરા ધીરૂ મેરામભાઇ માલકીયાએ ઝઘડો કરી છરીથી હુમલો કરી દેતાં લાભુબેનને પડખા અને હાથમાં ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. જો કે દેકારો થતાં ઘરના બીજા લોકો આવી જતાં ધીરૂ ભાગી ગયો હતો અને લાભુબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.
પત્નીના અવસાનનો ખાર રાખી હુમલો કર્યો પોલીસ તપાસમાં લાભુબેનને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. જેમાં હુમલો કરનાર ધીરૂ મોટો છે. લાભુબેનના પતિ છુટક ખેત મજુરી કરે છે. હુમલો કરનાર ધીરૂના પત્નીનું અગાઉ ડિલિવરી વખતે અવસાન થયું હતું. તેને કમળો થઇ ગયાનો રિપોર્ટ જે તે વખતે આવ્યો હતો, ત્યારથી ધીરુ તેના માતા સાથે ઝઘડા કરીને કહેતો કે મારા ઘરવાળીનું મૃત્યુ થયું એનું કારણ તમે છે. આ વાતને લઇને તે અવાર-નવાર ઝઘડા કરતો હતો. આજે સવારે પણ અચાનક તે છરીથી તૂટી પડયો હતો હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.