ગાંધીનગરનો યુવક ‘મોયા મોયા’ બીમારીનો શિકાર બન્યો

મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા કિસ્સા બને છે જે વર્ષો જૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની તાકાતનો પુનઃ પરિચય કરાવે છે. ગુજરાતમાં ‘મોયા મોયા’ નામની અત્યંત દુર્લભ બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગરમાં સામે આવ્યો છે. છેલ્લાં આઠ વર્ષથી પથારીવશ અને લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ અસહાય બનેલા યુવાનને ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાત ડૉ. રાકેશ ભટ્ટે માત્ર 35 દિવસની સારવારમાં પોતાના પગે ચાલતો કરી દીધો છે.

ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા અને કલોલની અરવિંદ મિલમાં નોકરી કરતા દિલીપસિંહ બિહોલાના પુત્ર હર્ષને વર્ષ 2016માં પ્રથમ વખત સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ 2018માં બીજા સ્ટ્રોકે તેને સંપૂર્ણપણે પથારીવશ કરી દીધો હતો.પિતાએ દીકરાને સ્વયંભૂ પગભર માટે ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના નામાંકિત તબીબોના ઉંબરા ઘસ્યા હતા.ત્યારે તપાસમાં બહાર આવ્યું કે હર્ષ ‘મોયા મોયા’ જેવી જટિલ બીમારીથી પીડિત છે. આ બીમારીની સારવાર માટે નાભિમાં 18 હજારની કિંમતના મોંઘા ઇન્જેક્શનો અને ભારે એન્ટીબાયોટિક્સ પાછળ પિતાએ પોતાની આજીવન જમાપુંજી અને નોકરીના નાણાં મળીને અંદાજે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.

પરિવારે એલોપેથી સારવાર કરાવ્યા બાદ આયુર્વેદિક સારવાર કરાવવાનો નિર્ણય કર્યો. ત્યારે પિતા હર્ષને લઈને સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈધ ડૉ. રાકેશ ભટ્ટ પાસે પહોંચ્યા હતા .ડૉ. ભટ્ટે હર્ષની નાડી તપાસીને આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કર્યું અને પંચકર્મ ચિકિત્સા શરૂ કરી હતી .માત્ર 35 દિવસની સઘન સારવાર અને તે પણ તદ્દન મફત, જેનું પરિણામ આજે નજર સામે છે. હર્ષ જે બે વ્યક્તિના ટેકા વગર ઊભો થઈ શકતો નહોતો, તે આજે 70 ટકા જેટલો સ્વસ્થ થઈ હોસ્પિટલના કોરિડોરમાં જાતે હરતો-ફરતો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *