સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હારનું ‘પોસ્ટમોર્ટમ’ કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સક્રિય થયા છે. આ અંતર્ગત રાજકોટમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, AICC સેક્રેટરી ઋત્વિજ મકવાણા અને જેનીબેન ઠુંમરની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રમુખો અને પ્રભારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં હારના મુખ્ય કારણો અને પક્ષની નબળાઈઓ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
હારના કારણો અને સત્તાના દુરુપયોગના આક્ષેપો બેઠક દરમિયાન અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા લોકોમાં સરકાર સામે ભારે નારાજગી હતી, છતાં પરિણામો વિપરીત આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે પોલીસ અને સત્તાનો વ્યાપક દુરુપયોગ કરીને આ ચૂંટણી જીતી છે. ચૂંટણી જીતવા માટે ગુનેગારોને જેલમુક્ત કરવામાં આવ્યા અને બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ તેમણે કર્યા હતા. દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના એનાલિસિસમાં આ મુદ્દો સામાન્ય જોવા મળ્યો છે.
આપ’ (AAP) અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ RSS દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી પાર્ટી છે. જેનો એકમાત્ર એજન્ડા કોંગ્રેસના મતોનું વિભાજન કરી ભાજપને ફાયદો કરાવવાનો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પંજાબના રાજ્યસભા સભ્યોની જેમ ગુજરાતમાં પણ ‘આપ’ના નેતાઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જશે. લોકો હવે આ હકીકત સમજી રહ્યા છે અને સત્યથી વાકેફ થઈ રહ્યા છે.
2027માં પરિવર્તનનો આશાવાદ અંતમાં અમિત ચાવડાએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં કોંગ્રેસ પોતાની ભૂલો સુધારીને ફરી બેઠી થશે. જનતા સુધી ભાજપ અને ‘આપ’ની મિલીભગતની વાસ્તવિકતા પહોંચાડવામાં આવશે. જેના પરિણામે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચોક્કસપણે પરિવર્તન આવશે અને લોકો કોંગ્રેસના શાસન માટે મતદાન કરશે.