રાજકોટ શહેર અને જિલ્લામાં ઉનાળુ વેકેશન હોવા છતાં ‘વેકેશન બેચ’ના નામે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી હતી. આ મામલે વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને રજૂઆત કરી હલ્લાબોલની ચીમકી ઉચ્ચારી હતી.
વધતા દબાણ અને CM પોર્ટલ પર થયેલી ફરિયાદો બાદ આખરે DEOએ વેકેશનમાં શાળા ચાલુ ન રાખવા પરિપત્ર કર્યો છે, બીજીબાજુ રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે પણ આગામી 10 મેથી 1 જૂન સુધી તમામ શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સંચાલક મંડળે સ્પષ્ટતા કરી છે કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સારા પરિણામ માટે ભણાવવાના હેતુથી જે વર્ગો ચાલુ રખાયા હતા, તેની સામે ખુદ વિદ્યાર્થીઓ અને વાલી યુનિયનોએ વાંધો ઉઠાવ્યો છે.
હવે તા.10 મે રવિવારથી સાયન્સ, JEE, NEET કે કોમર્સ સહિતના કોઈપણ વિભાગના વર્ગો ચાલુ રાખી શકાશે નહીં. 9 મે શનિવાર વિદ્યાર્થીઓ માટે છેલ્લો દિવસ રહેશે.