રાજકોટ-ભાવનગર હાઈવે પર કાળીપાટ ગામ પાસે ગત શુક્રવારના રોજ સર્જાયેલા ગંભીર અકસ્માતમાં આજે વધુ એક ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. દૂધ ભરેલી મિની ટ્રક પલ્ટી જવાની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશ ધીરૂભાઈ ઉધરેજીયા (ઉ.વ.25)નું પાંચ દિવસની ટૂંકી સારવાર બાદ આજે હોસ્પિટલમાં મોત નીપજ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા હતા જે પૈકી આજે એક યુવકનું મોત થતા મૃત્યુ આંક 2 પર પહોંચ્યો છે હાલ આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ ભાવનગર હાઇ-વે પર કાળીપાટ ગામ નજીક ગત તારીખ 1 મેના રોજ રાજ ખોડલ હોટલ નજીક એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક મોટર કારને બચાવવા જતા દૂધના કેન અને 7 જેટલા મુસાફર સહિત 12 લોકો સાથે સવાર મીની ટ્રક જીજે.03.બીવાય.5551 નંબરનું માલ વાહક વાહન પલ્ટી મારી જતા ટેમ્પોમાં સવાર ખેતી અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા ભીમાભાઈ અમરશીભાઈ મકવાણાને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું અને 11 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.