વર્ધમાનનગરમાં રાહદારીઓની પાછળ દોડતા શ્વાનોનો વીડિયો સામે આવ્યો, સ્થાનિકોમાં ભારે ફફડાટનો માહોલ

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાનનગર વિસ્તારમાં રખડતા શ્વાનોના આતંકની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

અહીં રાત્રિના સમયે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ પાછળ શ્વાનોનું ટોળું કરડવા માટે દોડતું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને લોકો રાત્રિના સમયે બહાર નીકળતા ડરી રહ્યા છે.

આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં શ્વાનોના ત્રાસ અંગેની ફરિયાદ મળતા મનપાની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. જે કોઈ શ્વાનો આક્રમક બન્યા છે તેમને પકડીને ડોગ ફ્રેન્ડલી સેન્ટર ખાતે ખસેડવામાં આવશે. ત્યાં આ શ્વાનોની વર્તણૂક પર ધ્યાન આપી તેમને શાંત પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. જોકે, કાયદાકીય મર્યાદાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ શ્વાનોને પકડ્યા બાદ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તેમને ફરીથી એ વિસ્તારમાં છોડી દેવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *