રાજકોટવાસીઓને પાણીની તકલીફ નહીં પડે

આકરી ગરમીની શરૂઆત સાથે જ રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જાહેરાત કરી છે કે શહેરના મુખ્ય જળાશયોમાં ચોમાસા સુધી ચાલે તેટલો પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ સાથે જ વધતી ગરમીને પહોંચી વળવા માટે જૂન અંત સુધી વિશેષ ‘હીટવેવ એક્શન પ્લાન’ પણ અમલી બનાવવામાં આવ્યો છે.

આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી 418 MLD પાણી વિતરણ રાજકોટમાં પાણીની સ્થિતિ અને વિતરણ વ્યવસ્થાની વિગતો આપતા મ્યુ. કમિશનરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની કુલ દૈનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે આજી, ન્યારી અને ભાદર ડેમ તેમજ નર્મદા યોજનાનો સહારો લેવામાં આવે છે. હાલમાં આજી, ન્યારી અને ભાદર ડેમમાંથી દરરોજ 320 MLD પાણી મેળવવામાં આવે છે, જ્યારે નર્મદા યોજના હેઠળ દરરોજ 125 MLD પાણી મળે છે. આમ, કુલ મળીને રોજનું 418 MLD પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ઉનાળા દરમિયાન પાણીની માંગમાં સામાન્ય વધારો જોવા મળતો હોય છે, પરંતુ શહેરના મુખ્ય જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી શહેરીજનોએ ચિંતા કરવાની જરૂર નથી. ટેન્કર દ્વારા થતા પાણી વિતરણ અને નળ જોડાણ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, જે વિસ્તારોમાં હજુ પાઈપલાઈનનું નેટવર્ક પહોંચ્યું નથી તેવા છેવાડાના વિસ્તારોમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *