શહેરના સાધુ વાસવાણી રોડ પર બેદરકારીપૂર્વક બાઇક ચલાવતા યુવાનને ટોકતા જ એક વૃદ્ધને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. જનકપુરી સોસાયટીમાં રહેતા અને નગર આયોજન વિભાગમાંથી નિવૃત્ત 66 વર્ષીય નવીનચંદ્ર વશરામભાઈ જાવીયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, નવીનચંદ્રભાઈ પોતાના પુત્ર હાર્દિક સાથે સવારે લગભગ 11:30 વાગ્યે એક્ટિવા પર બેંક તરફ જઈ રહ્યા હતા. ગોપાલ ચોક પાસે પાછળથી આવેલા પ્લેઝર બાઇક ચાલકે જોખમી રીતે ઓવરટેક કર્યું હતું. જેથી નવીનચંદ્રભાઈએ તેને વાહન સાવધાનીથી ચલાવવા જણાવ્યું હતું. આ વાતે ઉશ્કેરાયેલા બાઇકચાલકે ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.
આ દરમિયાન આરોપીએ પોતાની બાઇકની ડેકીમાંથી છરી કાઢી “આ છરી તમારી સગી નહીં થાય, બંનેને મારી નાખીશ” કહી ધમકી આપી હતી. સ્થળ પર લોકો ભેગા થતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે 112 પર જાણ કર્યા બાદ યુનિવર્સિટી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.