કાર ઓવરટેક કરવા બાબતે દંપતી પર હુમલો, ધમકી આપી

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ફરી એકવાર રોડ રેજની ઘટના સામે આવી છે.

સુરેન્દ્રનગરના વસ્તડી ગામના એક શખ્સ પોતાની પત્ની સાથે સસરાના ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કુવાડવા નજીક કાર ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે અન્ય કારચાલકે દંપતીને આંતરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

સુરેન્દ્રનગરના વડવાણ તાલુકાના વસ્તડી ગામે રહેતા અને સ્કૂલ બસમાં ડ્રાઈવિંગ કરતા ગૌતમભાઈ દલપતરામ દેશાણી (ઉ.વ. 46) ગત તા. 23/04/2024ના રોજ પોતાની ઇલેક્ટ્રિક કાર (GJ-09-BA-5309) લઈને પત્ની શીતલબેન સાથે રાજકોટ પાસે આવેલા માલીયાસણ ગામે ગયા હતા. ત્યાં તેમના સસરા મોરારીદાસ હરીયાણીના ખબર અંતર પૂછીને રાત્રે 9:15 વાગ્યાના અરસામાં તેઓ પરત વસ્તડી જવા નીકળ્યા હતા.

પીછો કરી કાર ઉભી રખાવી ફરિયાદમાં જણાવ્યા મુજબ, કુવાડવા ગામ પાસે પહોંચતા પાછળથી આવતી એક મારૂતિ સ્વિફ્ટ ડીઝાયર (GJ 03 MH 2910) ના ચાલકે જોરજોરથી હોર્ન વગાડી ગૌતમભાઈની કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ગૌતમભાઈએ ડરના માર્યા ગાડી ઉભી ન રાખતા, સ્વિફ્ટ ચાલકે પીછો કરી તેમની ગાડી આગળ પોતાની કાર ઉભી રાખી રસ્તો રોકી દીધો હતો.

ગાડી ઊભી રખાવી શર્ટનો કોલર પકડી ઝપાઝપી કરી ગાડી ઉભી રહેતા જ સ્વિફ્ટમાંથી ઉતરેલા શખ્સે ગૌતમભાઈને ગાળો આપી, કારમાંથી બહાર ખેંચી શર્ટનો કોલર પકડી લીધો હતો. આ સમયે પતિને બચાવવા વચ્ચે પડેલા શીતલબેન સાથે પણ આરોપીએ ઝપાઝપી કરી હતી.

આરોપીએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, ”આજે તો તને જાનથી મારી નાખવો છે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આસપાસના લોકો એકઠા થઈ જતા આરોપી પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો. કુવાડવા પોલીસે ગૌતમભાઈની ફરિયાદના આધારે સ્વિફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *