પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અને ઝડપથી કરવામાં આવેલી કામગીરીને કારણે ખંભાળિયા અને ભાટેલ વિસ્તારના હજારો લોકોને મોટી રાહત મળશે. રાજકોટ ડિવિઝને આ સેક્શનના લેવલ ક્રોસિંગ (LC) સંખ્યા 235 પર રોડ અંડર બ્રિજ (RUB) ના નિર્માણ માટે આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ 30 એપ્રિલ, 2026 ના રોજ પૂર્ણ કર્યું છે. આ કામગીરી પૂર્ણ થતા જ હવે આ વિસ્તારના લોકો માટે ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય ભૂતકાળ બની જશે.
સામાન્ય રીતે લેવલ ક્રોસિંગ એટલે કે રેલવે ફાટક પરથી પસાર થતા લોકોને ટ્રેન આવવાના સમયે 15 થી 20 મિનિટ સુધી રાહ જોવી પડતી હોય છે. ક્યારેક ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે અટવાઈ જતી હતી. હવે આ સ્થળે અંડર બ્રિજ બની જવાથી વાહનચાલકોએ એક સેકન્ડ પણ થોભવું પડશે નહીં. લોકોના સમય અને ઇંધણની મોટી બચત થશે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર અને લોકોના રોજિંદા જીવન પર હકારાત્મક રીતે પડશે. ખાસ કરીને ખેડૂતો અને નાના-નાના વેપારીઓ જેમને માલસામાનની હેરફેર માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, તેમના માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.