રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને ગરમીનો પારો 43 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે અસહ્ય લૂ અને તાપને ધ્યાનમાં રાખી રાજકોટ બાર એસોસિએશન દ્વારા વકીલો, કોર્ટ સ્ટાફ અને પક્ષકારોના હિતમાં મહત્વપૂર્ણ માંગણી કરવામાં આવી છે. જેમાં રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ મારફત ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને રાજકોટ જિલ્લાના યુનિટ જજ ઈલેશ વોરાને પત્ર લખી કોર્ટના સમયમાં ફેરફાર કરવા અપીલ કરવામાં આવી છે.
ગામડેથી આવતા અસીલોને લૂ લાગવાના કિસ્સાઓ વધ્યા રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાએ રજૂઆત કરતા જણાવાયું હતું કે, હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે બપોરના સમયે કોર્ટની કાર્યવાહીમાં હાજર રહેવું પક્ષકારો માટે અત્યંત મુશ્કેલ બની રહે છે. ખાસ કરીને દૂરના ગામડાઓમાંથી આવતા અસીલોને લૂ લાગવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ ઉપરાંત વકીલોને પણ કાળઝાળ ગરમીમાં કામ કરવાને કારણે હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાની પૂરી શક્યતા છે. માટે 15 જૂન સુધી એટલે કે સિવિલ વેકેશન દરમિયાન પણ કોર્ટનો સમય સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધીનો કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજકોટ કોર્ટ સંકુલમાં દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર હોય છે. ગરમીના કારણે કોઈ પક્ષકાર, વકીલ, કોર્ટ સ્ટાફ કે ન્યાયાધીશની તબિયત અચાનક બગડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કોર્ટ કમ્પાઉન્ડમાં કાયમી ધોરણે 108 એમ્બ્યુલન્સની સુવિધા ઉભી કરવા માગ કરવામાં આવી છે. તેની સાથે સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરી કાયમી ધોરણે ડોક્ટરની નિમણૂક કરવા પણ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીને વિનંતી કરવા હાઈકોર્ટને જાણ કરી છે. ગરમીના પ્રકોપ સામે રક્ષણ મેળવવા માટે રાજકોટ બાર એસોસિએશનના બાર રૂમ, લાઈબ્રેરી તેમજ તાબાની અન્ય કોર્ટોના બાર રૂમોમાં એર કન્ડિશનની સુવિધા પૂરી પાડવા પણ પ્રમુખ સુમિત વોરાએ માંગણી કરી છે