મનપાનાં આરોગ્ય વિભાગે HPV રસીકરણમાં 100% કામગીરી સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

રાજકોટ મહાપાલિકાએ આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. મહિલાઓમાં જોવા મળતા સર્વાઈકલ કેન્સરના જોખમને ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણનાં અભિયાનમાં રાજકોટ મનપાનાં આરોગ્ય વિભાગે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નિર્ધારિત લક્ષ્યાંકને 100% પૂર્ણ કરનાર પ્રથમ શહેર બનતા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને વિશેષ એવોર્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું છે.

સર્વાઈકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી દીકરીઓને સુરક્ષિત કરવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અભિયાન અંતર્ગત જે દીકરીઓની ઉંમર 14 વર્ષ પૂર્ણ થઈ હોય અને 15 વર્ષ પૂર્ણ ન થઈ હોય એવા વયજૂથને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને આ અભિયાન અંતર્ગત કુલ 10,622 દીકરીઓના રસીકરણનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા અત્યંત આયોજનબદ્ધ રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા હેઠળના તમામ 31 આરોગ્ય કેન્દ્રો દ્વારા અભિયાનને વેગવંતું બનાવવામાં આવ્યું હતું. જેના પરિણામે, 24 એપ્રિલ, 2026 સુધીમાં જ રાજકોટે 10,622 ના લક્ષ્યાંક સામે 100% કામગીરી પૂર્ણ કરી લીધી હતી. આ ઝડપી અને સચોટ કામગીરીને કારણે રાજકોટ આખા રાજ્યમાં અવ્વલ રહ્યું છે.

વધુમાં ડો. વાંકાણીએ જણાવ્યું કે, રાજકોટની બેમિસાલ સફળતા બદલ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહાનગરપાલિકાને પ્રથમ રેન્ક માટે ‘શીલ્ડ’ અને ‘મોમેન્ટો’ એનાયત કરવામાં આવ્યા છે. સફળતાનો શ્રેય શહેરની જાગૃત જનતા, શાળા સંચાલકો અને ખાસ કરીને 14થી 15 વર્ષની દીકરીઓને આપવામાં આવ્યો છે. ઉપરાંત, FOGSIના સભ્યો દ્વારા કરવામાં આવેલા મોટિવેશનલ પ્રયાસો પણ ખૂબ જ મહત્વના રહ્યા હતા. જેના કારણે આ સફળતા મળી શકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *