રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સરદાર પાર્કમાં ફોન પર પત્ની સાથે ઝઘડો થયા પછી 35 વર્ષીય અનિલ ચૌહાણએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની અનિલ ચૌહાણ ગઈકાલે પોતાના ઘરે છતના હૂંકમાં દુપટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અનિલ કલરકામની મજુરી કરતો હોવાનું અને તેને ચાર સંતાન હોવાનું સામે આવ્યું છે. વતનમાં તેની સાળીના લગ્ન હતા જેથી પત્ની અને સંતાનો યુપી ગયા હતા ગઈકાલે રાત્રે પત્નીનો ફોન આવ્યો ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો અને બાદમાં ફોન કટ કરી અનિલે પગલું ભરી લીધું હતું. અનિલનો નાનો ભાઈ તેની પત્ની સાથે નીચેના માળે જ રહેતો હોય, પત્નીએ દેરાણીને ફોન કરી અનિલ શું કરે છે તે જોવાનું કહેતા ઘટનાની જાણ થઈ હતી. હાલ પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
કેન્સરની સારવાર અને આર્થિક ભીંસથી કંટાળીને પ્રૌઢનો આપઘાત રમેશભાઈ જીવરાજભાઈ આંબલીયા (ઉં.વ.50) આજે સવારે 11.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા, ત્યારે છતના હુંકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સિવાયના પરિવારજનો દીકરીના ઘરે જવાની તૈયારી કરતા હતા, ત્યારે જોયું તો રૂમનો દરવાજો અંદરથી લોક હતો.
દરવાજો ખખડાવ્યો છતાં રમેશભાઈએ ખોલ્યો ન હતો, જેથી દરવાજો તોડીને જોતા રમેશભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 108ના ઇએમટીએ તપાસી રમેશભાઈને મૃત જાહેર કર્યા હતા. રમેશભાઈને બે વર્ષથી મોઢાનું કેન્સર હતું. જેનું અગાઉ ઓપરેશન પણ કરાવ્યું હતું. કેન્સરની બીમારી અને ત્યારબાદ આવેલા આર્થિક ભીંસથી કંટાળીને આ પગલું ભરી લીધાનું પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યું છે.