પત્નીએ ત્રિકમના ઉપરાછાપરી ઘા ઝીંકી પતિને પતાવ્યો

વડોદરાના ફતેપુરા કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઘરકંકાસમાં પત્નીએ પતિ પર ત્રિકમ વડે હુમલો કરી તેની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આજે બપોરે ખારી તલાવડી ખાતે બનેલી આ ઘટનામાં પોલીસે આરોપી પત્નીની સ્થળ પરથી જ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખારી તલાવડી વિસ્તારમાં રહેતા અમિત નાનજીભાઇ દૈવીપૂજક અને તેની પત્ની મંજુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આજે 27 એપ્રિલ બપોરે 12 વાગ્યાની આસપાસ પત્નીએ બનાવેલું ભોજન અમિતે જમવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ દરમિયાન પતિએ પત્નીને માથામાં મુક્કો મારતા ઉશ્કેરાયેલી પત્નીએ બાજુમાં પડેલા ત્રિકમ વડે પતિના પેટ, છાતી અને ગળાના ભાગે ત્રણ જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓને કારણે અમિતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પતિના મોત બાદ પત્ની મંજુએ મૃતદેહ પાસે બેસીને આક્રંદ કર્યું હતું અને ‘ભૂલથી હત્યા થઈ ગઈ’ હોવાનું રટણ શરૂ કર્યું હતું. ઘટનાની જાણ થતા જ એસીપી જી. બી. બાભણીયા, પીઆઈ એ. જે. પાંડવ અને એફએસએલ (FSL) ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલ ત્રિકમ અને મૃતકનો શર્ટ કબજે કર્યો છે. આરોપી મંજુએ પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *