રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લી ભરાઈ હતી, જેનાં દર્શનનો લહાવો લેવા હજારો લોકો ઊમટ્યા હતા. વરદાયિની માતાજીની પલ્લી છેલ્લાં 5 હજાર વર્ષથી કાઢવામાં આવે છે. આ પલ્લી મહોત્સવ વિશ્વભરમાં વિખ્યાત છે, જ્યાં આસ્થાનાં દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડાતું રહ્યું છે. આ માટે ગામમાં આવેલા માતાના સ્થાનકને રોશનીથી સજાવાય છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે માતાના જવેરા વાવવામાં આવે છે. એ બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટી પડ્યો હતો.
ગ્રામજનોની શ્રદ્ધાની વાત કરવામાં આવે તો પલ્લીનાં દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે નાનાં બાળકો ભીડ જોઈને જ રડતાં હોય છે. એમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે એની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને એનાં દર્શન કરાવ્યાં બાદ થોડા વાળ કાપવામાં આવે છે. ત્યાર બાદ આ બાળકને ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતનાં દર્શન ન કરાવવામા આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.