સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ભાવનગરના કુંભારવાડામાં રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના અગ્રણી હીરા સોલંકીની અધ્યક્ષતામાં વિશાળ જાહેર સભા યોજાઈ હતી. વોર્ડ નં. 2 અને 3ના ઉમેદવારો માટે પ્રચાર કરતા હીરા સોલંકીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસગાથા રજૂ કરી વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા.
ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના સંબોધનમાં ભૂતકાળના સંઘર્ષોને યાદ કરી ભાવનગર સાથેના પોતાના ભાવનાત્મક સંબંધો વાગોળ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, મારા જાહેર જીવનની શરૂઆત ભાવનગરથી થઈ હતી અને આ શહેર સાથેનો મારો નાતો હું ક્યારેય ભૂલી શકીશ નહીં.
મારો પાંચ-પાંચ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવ છે, પરંતુ વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેવી સરળતા ક્યાંય જોઈ નથી. ભૂપેન્દ્રભાઈ અત્યંત સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા નેતા છે. જ્યારે કોઈ ધારાસભ્ય કે કાર્યકર રજૂઆત લઈને જાય ત્યારે તેઓ તાત્કાલિક લીલી પેનથી સહી કરી અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોનો ઉકેલ લાવે છે.