રાજકોટ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં માત્ર 12 કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં ત્રણ યુવાનોએ આપઘાત કરતા ત્રણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક શિવનગર વિસ્તારમાં રહેતા અને સોની બજારમાં ‘નકલંક ટી સ્ટોલ’ નામે ચાની કેબિન ચલાવતા કાળુ મછાભાઈ સિંધવ(ઉ.વ.42)એ ગઇ સવારે પોતાના ઘરે છતના હૂકમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક ચાર ભાઈઓમાં બીજા નંબરના હતા અને તેમને સંતાનમાં એક દીકરો તથા એક દીકરી છે. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. બી-ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં, ચુનારાવાડ વિસ્તારમાં લાખાજીરાજ ઉદ્યોગનગર-9માં રહેતા રવિ લાલજીભાઈ વાઘેલા(ઉ.વ.28)એ 21મીએ રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રવિ કુરિયરનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને છ મહિનાની દીકરી છે. જાણવા મળ્યા મુજબ, પત્ની છેલ્લા ચાર દિવસથી રિસામણે માવતરે જતાં રવિ માનસિક રીતે પરેશાન રહેતો હતો. પરિવારજનો લગ્નપ્રસંગે બહારગામથી પરત ફરતાં તેની લાશ લટકતી હાલતમાં જોવા મળી હતી. થોરાળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં માધાપર ચોકડી નજીક રોણકી ગામે શ્યામ બંગલોઝમાં રહેતા પ્રિયાંગ હિતેષભાઈ પાંભર (ઉ.વ.27)એ મંગળવારે રાત્રે ઘરે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રિયાંગ ગોપાલ નમકીનમાં નોકરી કરતો હતો. ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.