રાજકોટના વ્યસ્ત ગણાતા ભોમેશ્વર રેલવે ફાટક પર બુધવારે સવારે એક અકસ્માતને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેન પસાર થવાના સમયે ફાટક બંધ થઈ રહ્યું હતું ત્યારે જ એક ઓટો રિક્ષા ફાટક સાથે અથડાઈ હતી. આ ઘટનાને કારણે ફાટક લોક થઈ જતાં દોઢ કલાક સુધી બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો આકરા તાપમાં હેરાન-પરેશાન થઈ ગયા હતા.
બુધવારે સવારે 10:15 કલાકે ટ્રેન પસાર થવાની હોવાથી ભોમેશ્વર ફાટક બંધ કરાયું હતું. આ દરમિયાન એક રિક્ષાચાલકે ઉતાવળ કરતા રિક્ષા ફાટક સાથે અથડાઈ હતી, જેના કારણે ફાટકનો પાઇપ વળી ગયો હતો અને ઇન્ટરલોકિંગ સિસ્ટમમાં ક્ષતિ સર્જાતા ફાટક લોક થઈ ગયું હતું. ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ફાટક ન ખૂલતા વાહનચાલકો રોષે ભરાયા હતા. રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા રસ્તા પર બેરિકેડ્સ ગોઠવી વાહનોને ડાઇવર્ટ કર્યા હતા. બીજી તરફ, રેલવેના ટેક્નિકલ સ્ટાફ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.
દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાટક ફરી શરૂ થતાં ટ્રાફિક હળવો થયો હતો. સવારનો સમય હોવાથી નોકરી-ધંધે જતાં લોકો મોટી સંખ્યામાં ફસાયા હતા. ફાટક બંધ હોવાથી અનેક વાહનચાલકોએ નાની ગલીઓ અને સાંકડા નાળાઓમાંથી પસાર થઈને ગંતવ્ય સ્થાને પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. આખરે સિસ્ટમ પૂર્વવત થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.