આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત ‘વિજય વિશ્વાસ સભા’ એ ભાજપની ચિંતામાં વધારો કર્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શિવરાજગઢ દરવાજે યોજાયેલી આ સભામાં દરવાજાથી લઈને મુખ્ય રોડ સુધી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
જીગીશા પટેલના ભાજપ પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ સંયુક્ત સચિવ જીગીશા પટેલે સભામાં આક્રમક તેવર બતાવતા ભાજપ પર અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા 15ની ટોળકી તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “અમારી એક સભા સામે ભાજપે ધારાસભ્ય સહિત 15 વ્યક્તિની આખી ટોળકી મેદાનમાં ઉતારવી પડી છે. અમે જ્યાં સભા કરીએ છીએ તેની પાછળ જ તેઓ સભા ગોઠવે છે.” તેમણે જનતાને સાવધ કરતા જણાવ્યું કે, આ આગેવાનો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે, બાકીના 5 વર્ષ ક્યાંય જોવા મળતા નથી. 30 વર્ષના આ ઇતિહાસને હવે બદલવાનો સમય આવી ગયો છે.
ભાજપના નેતાઓ અગાઉ કહેતા હતા કે ટિકિટ મારા પરિવાર સિવાય કોઈને નહીં મળે, તે વાતની પણ તેમણે યાદ અપાવી હતી. વેકરી ગામના રોડનો વીડિયો વાયરલ કર્યાના માત્ર બે જ દિવસમાં કામ શરૂ થઈ ગયું, તેને તેમણે ‘આપ’ની તાકાત ગણાવી હતી. શેમળામાં બનેલા ‘ગઢ’ અને તેની ઉંચી દીવાલો પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, ત્યાં કેવા કામો થાય છે તે જનતા જાણે છે.