રાજકોટમાં લોકશાહીનાં પર્વને લઈને ઉત્સાહ

રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વેપ’ (SVAP) અંતર્ગત ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા સમાજના વિવિધ વર્ગોને મતદાન પ્રક્રિયામાં જોડવા માટે પ્રયાસો હાથ ધરાયા છે. જે અંતર્ગત કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ, અંધજન કલ્યાણ મંડળ, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ અને ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર જેવી સંસ્થામાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જ્યાં આશ્રીતોએ ઉત્સાહપૂર્વક “અમે અવશ્ય મતદાન કરીશું” તેવા સામૂહિક શપથ લીધા હતા.

લોકશાહીના આ ઉત્સવમાં લોકભાગીદારી વધારવા માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના સખી મંડળો તેમજ સ્વ-સહાય જૂથોની બહેનોએ કલાત્મક પ્રદર્શન કર્યું હતું. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિના સંદેશા સાથેની મહેંદી મૂકીને સમાજના અન્ય નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરણા આપી હતી. શારીરિક કે માનસિક મર્યાદા ધરાવતા મતદારોએ પણ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની જવાબદારી અદા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો, જે આ અભિયાનની એક મોટી સફળતા માનવામાં આવે છે. વહીવટી તંત્ર દ્વારા ઉપસ્થિત તમામ મતદારોને મતાધિકારના પવિત્ર મૂલ્ય અને તેની અસરો વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *