42 ડિગ્રી તાપમાન વચ્ચે ધો.6થી 8ના 1.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ

સૌરાષ્ટ્રમાં કુદરત અને કારકિર્દી બંનેનો મિજાજ આકરો જોવા મળી રહ્યો છે. એકતરફ આભમાંથી અગનગોળા વરસતા હોય તેમ રાજકોટમાં પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, તો બીજીતરફ ધોરણ 6થી 8ના 1.25 લાખ વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. અંગદઝાડતી ગરમી અને લૂ વચ્ચે શરૂ થયેલી આ કસોટી માસૂમ ભૂલકાંઓ માટે ખરા અર્થમાં ‘અગ્નિપરીક્ષા’ સાબિત થઈ રહી છે, જ્યાં પરસેવે રેબઝેબ વિદ્યાર્થીઓ ગરમીના પ્રકોપ વચ્ચે પોતાનું ભવિષ્ય કંડારવા મજબૂર બન્યા છે.

હાલમાં પડી રહેલી ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ એક્શન મોડમાં છે. રાજકોટની સરકારી અને ખાનગી મળીને 500થી વધુ શાળાઓમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શિક્ષણ વિભાગે તમામ શાળાઓને કડક આદેશ આપ્યા છે કે દરેક વર્ગખંડમાં પંખા ચાલુ હોવા જોઈએ અને વિદ્યાર્થીઓ માટે ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા હોવી અનિવાર્ય છે. ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત ન લથડે તે માટે સુપરવાઈઝરોને પણ તકેદારી રાખવા જણાવાયું છે. નિષ્ણાતોના મતે, ધોરણ 6થી 8ની આ પરીક્ષા વિદ્યાર્થીઓના પાયાના જ્ઞાનની ચકાસણી કરે છે, જે તેમના ભવિષ્ય માટે પાયાનો પથ્થર સાબિત થાય છે.

વાંચન માટે મળશે ‘બ્રેક’, રજાઓનો થશે લાભ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે, પરીક્ષા દરમિયાન રજાઓનું પણ સંયોજન છે. આજે ડૉ.આંબેડકર જયંતીની રજા અને રવિવારની રજાઓને કારણે વિદ્યાર્થીઓને અઘરા વિષયોના રિવિઝન માટે પૂરતો સમય મળી રહેશે. આ રજાઓ વિદ્યાર્થીને ફ્રેશ થવામાં અને વધુ સારી તૈયારીમાં મદદરૂપ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *