રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) ખાતે વર્ષ 2026નો પ્રથમ પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સંસ્થાની પ્રથમ બેચના 49 MBBS વિદ્યાર્થીઓને તબીબી પદવી એનાયત કરી સમાજ સેવા માટે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યા હતા અને હવે સમાજની સેવા કરવા માટે તૈયાર લાયક ડોકટરો તરીકે ઉભરી આવ્યા છે. જેમાં 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા.
‘રોબોટિક્સ અને AI એ ચિકિત્સા જગતમાં બદલાવ લાવ્યો’ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ જણાવ્યું હતું કે, AIIMSમાં ગુણવત્તા પૂર્ણ સ્વાસ્થ્ય સેવા આપવામાં આવે છે. જેની વિશેષતા એ છે કે અહીં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ વિદેશમાં મેડિકલ ક્ષેત્રમાં કાર્યરત છે. રાજકોટ AIIMSની પ્રથમ બેચના MBBSના વિદ્યાર્થીઓ માત્ર સ્નાતક નથી થયા, પરંતુ તેમના ઉપર લોકોના આરોગ્યની રક્ષાનું દાયિત્વ આવી ગયું છે. રોબોટિક્સ અને AI એ ચિકિત્સા જગતમાં બદલાવ લાવ્યો છે. વર્ષ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉત્તમ સ્વાસ્થ્ય સેવા જરૂરી છે.
AIIMS પ્રેસિડેન્ટ જે. એસ. ટીટીયાલે જણાવ્યું હતું કે, ભારતમાં આઝાદી બાદ ગર્વ લઈ શકાય તે પ્રકારની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ કાર્યરત છે. દેશમાં 22 AIIMS આરોગ્યની ઉચ્ચ સુવિધાઓ પ્રદાન કરે છે. આજે ડિગ્રી મળતા જ વિદ્યાર્થીઓ ડોકટર બની ગયા છે. અહીં અભ્યાસ કરેલો વિદ્યાર્થી કોઈપણ જગ્યાએ જશે તે સફળ ડોક્ટર બનશે. રાષ્ટ્રપતિના કહેવા પ્રમાણે ડોક્ટર એવો હોવો જોઈએ કે જે દર્દીઓ માટે વિચારે. ડોક્ટર દર્દીઓને પોતાના સમજીને સારવાર કરશે તો તે ખૂબ જ સારી સારવાર ગણાશે.