અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે અફઘાન વાયુસેનાએ શુક્રવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં હવાઈ હુમલો કર્યો. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી પાકિસ્તાની સેના દ્વારા ગત રાત્રિએ કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે સોશિયલ મીડિયા પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે કોહાટ વિસ્તારમાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ સાથે સૈન્ય કિલ્લાને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. જોકે, હુમલામાં કોઈના મોત કે ઈજા થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. વાસ્તવમાં, પાકિસ્તાને ગુરુવારે રાત્રે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને કંધારમાં હવાઈ હુમલા કર્યા હતા. તાલિબાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલામાં 6 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ થયા છે. જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે અનેક ઘરોને પણ નુકસાન થયું છે.
પાકિસ્તાને અફઘાનના ફ્યુઅલ ડેપો પર હુમલો કર્યો તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને પ્રાઈવેટ એરલાઈન ‘કામ એર’ના ફ્યુઅલ ડેપો પર હુમલો કર્યો હતો, જે નાગરિક વિમાનો અને UNના વિમાનોને પણ ફ્યુઅલ સપ્લાય કરે છે. તેમણે ચેતવણી આપી કે આ હુમલાનો જવાબ આપવામાં આવશે.જ્યારે, પાકિસ્તાની સુરક્ષા અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું કે આ કાર્યવાહી પાકિસ્તાની તાલિબાન (TTP)ના ઠેકાણાઓ પર કરવામાં આવી છે. તાજેતરના મહિનાઓમાં દેશમાં વધતા આતંકવાદી હુમલાઓ પછી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.