અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકી સેનાએ ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર આવેલા સૈન્ય ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. તેમણે ચેતવણી આપી કે જો જરૂર પડશે તો આગામી નિશાન આ વિસ્તારનું ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ હોઈ શકે છે. ખાર્ગ આઈલેન્ડ ફારસની ખાડીમાં આવેલો છે અને તેને ઈરાન માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ખાર્ગ આઈલેન્ડ ઈરાનની ઓઈલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર છે. દેશના આશરે 80 થી 90% ક્રૂડ ઓઈલની નિકાસ આ જ ટાપુ પરથી થાય છે. અહીં મોટા ઓઈલ ટર્મિનલ, પાઈપલાઈન, સ્ટોરેજ ટેન્ક અને જહાજોમાં ઓઈલ ભરવાની સુવિધાઓ આવેલી છે. એવું જણાવવામાં આવે છે કે અહીંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ સુધીનું ઓઈલ જહાજોમાં લોડ કરી શકાય છે.
બીજી તરફ, અમેરિકાએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની વિશે માહિતી આપવા બદલ 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 92 કરોડ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરી છે.
આ જાહેરાત અમેરિકી વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ કરવામાં આવી છે. આ યાદીમાં અલી લારીજાની સહિત અન્ય કેટલાક ઈરાની અધિકારીઓના નામ પણ સામેલ છે.