રાજકોટમાં ઋત્વિક રોશનને જોવા આવેલી ભીડના ટ્રાફિક વચ્ચે વાહનચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ

રાજકોટ શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર એક જ્વેલરી શો રૂમના ઉદ્ઘાટનને લઈ રસ્તા પર થયેલા ટ્રાફિક જામ દરમિયાન એક વાહનચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ. વાહનચાલક દ્વારા કથિત રીતે પોલીસકર્મીને પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપતા પોલીસકર્મીએ જાતે જ પોતાનો પટ્ટો ઉતારી લાઈનબોયની ઓળખ આપનાર યુવક આગળ ધરી દીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. પોલીસકર્મી દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના કાલાવડ રોડ પર આજે એક જ્વેલરી શો રૂમનું ઉદ્ઘાટન હતું. જેમાં એક્ટર ઋત્વિક રોશન હાજર રહ્યા હોય તેને જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ શો રૂમ બહાર રસ્તા પર એકત્ર થયા હતા. ટ્રાફિક ન સર્જાય તે માટે પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા. આ જ સમયે એક વાહનચાલક કે જેને પોતાની ઓળખ લાઈનબોય તરીકે આપી હતી. તેની અને ટ્રાફિક પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થઈ હતી.

લાઈનબોય તરીકે ઓળખ આપનાર યુવકે કથિત રીતે પોલીસકર્મીને પટ્ટો ઉતારાવી નાખવાની ધમકી આપી હતી. જેના કારણે પોલીસકર્મીએ પોતાની જાતે જ પટ્ટો ઉતારીને લાઈનબોયની સામે ધરી દીધો હતો. જાહેર રસ્તા પર પોલીસકર્મીને આ પ્રકારે ધમકી મળતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા અને સમગ્ર મામલો ગરમાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *