પતિનું 17 લાખનું દેણું અને સંતાન ઝંખનાના તણાવમાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં વ્યાજખોરીમાં ફસાયા બાદ વધુ એક પરિવારનો માળો વિંખાયો છે. રૈયાધાર શાંતિનગર ગેટમાં એપાર્ટમેન્ટમાં રહેતાં એક મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. વ્યાજની ઉઘરાણી માટે હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

કોરોના સમયે પતિએ આર્થિક સંકડામણમાં વ્યાજે નાણાં લીધા હોય જેનું 17 લાખ સુધીનું દેણું થઇ જતા અને લગ્નના 22 વર્ષ બાદ પણ સંતાનસુખ ન મેળવતા પરિણીતા તણાવમાં રહેતી હતી.

શાંતિનગર ગેટમાં આવેલા શ્યામલ એપાર્ટમેન્ટમાં પહેલા માળે રહેતા ક્રિષ્નાબેન અર્પિતભાઈ ગોસાઇ (ઉં.વ.43) નામના મહિલાએ સવારે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં મૃતકના પરિવારમાં ઘેરો કલ્પાંતછવાયો હતો.

આપઘાત કરનારા કિષ્નાબેનના પતિ અર્પિતભાઈ ગોસાઇ ડ્રાઇવિંગ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. પતિ સવારે ઘરે નહોતાં. પાડોશીએ દરવાજો ખખડાવ્યો પણ અંદરથી ન ખોલવામાં આવતા પરિવારજનો દોડી ગયા હતા.

બીજા લોકોને એકઠા કરી દરવાજો તોડીને અંદર પ્રવેશતા ક્રિષ્નાબેન લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ક્રિષ્નાબેન ઘરમાં મદદરૂપ થવા માટે રસોઇકામ અને વૃદ્ધાઓને માલીશ કરવાનું કામ કરતાં હતાં. કોરોનાકાળમાં પતિને દેણું થઇ જતાં સાસુએ મકાન વેચી દેણું ભર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *