રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉઠ્યા છે. શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગઈકાલે આ શાળાનાં જ ત્રીજા માળેથી પટકાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મંગળવારના રોજ સાંજના સમયે સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. સદનસીબે નીચે પડતી વખતે આ વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે, આટલી ગંભીર ઘટના બાદ પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી નથી. એટલું જ નહીં સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઈન્કાર કરતા આ મામલે અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. અને સંચાલકો ભીનું સંકેલવા પ્રયાસ કરતા હોવાની ચર્ચા ઉઠી રહી છે.
ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી રાજકોટ DEO દીક્ષિત પટેલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉત્કર્ષ સ્કૂલના વિદ્યાર્થીએ બીજા માળેથી છલાંગ લગાવી તે ઘટના ધ્યાનમાં આવતા ત્રણ સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે જેમાં 1 એજ્યુકેશન ઇસ્પેક્ટર અને 2 આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ સોંપવામાં આવી છે. જેમને બે દિવસમાં પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે. આ કમિટી દ્વારા બીજા માળેથી છલાંગ લગાવનાર વિદ્યાર્થી, તેના વાલી તેમજ અન્ય વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવશે. જે બાદ તપાસ રિપોર્ટ માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલવામાં આવશે. આ પ્રકરણમાં શાળા સંચાલકને નોટિસથી લઈને શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ છે. જોકે તપાસ રિપોર્ટ શું આવે છે તેના પર બધું આધારિત છે.