રાજકોટના મવડી-વાવડીમાં ઇઝરાયલ મોડલ પર વરસાદનું વહી જતું પાણી જમીનમાં ઉતારાશે

રાજકોટ શહેરમાં દર વર્ષે સારો વરસાદ પડતો હોવા છતાં પીવાના પાણી માટે સૌની યોજના પર આધાર રાખવો પડે છે. વરસાદી પાણી મોટા પ્રમાણમાં ગટરમાં વહી જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજકોટ મહાપાલિકાએ ઇઝરાયલ અને જાપાન જેવી પદ્ધતિ પર આધારિત ‘સ્પોન્જ પાર્ક’ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.

વોર્ડ નં. 1ના મવડી-વાવડી વિસ્તારમાં તપન હાઇટ્સની બાજુમાં 28,000 ચો.મીટર જગ્યા પર રૂ.31.70 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવા માટે આજે વેસ્ટ ઝોન કચેરી દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. મહાપાલિકાએ તૈયાર કરેલી ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટના આધારે અનુભવી એજન્સીને કામ સોંપી દેવાતા ચોમાસા પહેલાં સ્પોન્જ પાર્ક તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પાઇલટ પ્રોજેક્ટ સફળ થશે તો રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ આવા સ્પોન્જ પાર્ક બનાવવાની યોજના આગળ વધારવામાં આવશે તેમ સિટી એન્જિનિયર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું.

અમદાવાદમાં પાંચ સ્પોન્જ પાર્ક બાદ હવે રાજકોટ પણ મેદાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગત વર્ષે શહેરના વાસણા, વેજલપુર, બોડકદેવ સહિતના પાંચ વિસ્તારોમાં રૂ.6.5 કરોડના ખર્ચે સ્પોન્જ પાર્ક બનાવવાની જાહેરાત કરી હતી અને તેનું કામ શરૂ કરી દીધું છે. ત્યારબાદ હવે રાજકોટ પણ અમદાવાદ રસ્તે ચાલ્યું છે અને બજેટમાં કરેલી જોગવાઇ મુજબ પ્રથમ સ્પોન્જ પાર્ક બનાવવાની જાહેરાત કરી ટેન્ડર પ્રક્રિયા પણ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *