રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજર દર્દીઓને ડેસફરેલ ઇન્જેક્શન છેલ્લા ત્રણ વર્ષથી મળી રહ્યા નથી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ તથા AIIMS માં આંખની સારવાર માટે પેરીમીટ્રી રિપોર્ટ ન મળવાની ગંભીર સ્થિતિ છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની ગંભીર અછત છે ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે થેલેસેમીયાના દર્દીઓને સાથે રાખી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.
દર્દીઓને સાથે રાખી સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાની કલેક્ટરને રજૂઆત થેલેસેમીયા દર્દીના ભાઈ પ્રશીલ રાજદેવે જણાવ્યુ હતુ કે, છેલ્લા 2 વર્ષથી સિવિલ હોસ્પિટલમાં ડેસફરેલ ઇન્જેક્શન મળતા નથી. દર્દીઓને દર 7 અને 10 દિવસે બ્લડ ચઢાવવું પડતુ હોય છે. જેનાથી આયર્નનું લેવલ વધી જાય છે. જેના કારણે તેમના હૃદય અને કીડનીને ગંભીર અસર પહોંચે છે. ઇન્જેક્શનની કિંમત રૂ.2000 જેટલી છે. જેથી વહેલી તકે ઇન્જેક્શન મળવાનું શરૂ થાય તે જરૂરી છે.
‘થેલેસમિયાના દર્દી માટે જરુરી ડેસફરેલ ઈન્જેકશન ન મળતા પરેશાની’ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, થેલેસેમિયા મેજર દર્દીઓને ડેસફરેલ ઇન્જેક્શન છેલ્લા ત્રણ વર્ષથી ન મળવાનો ગંભીર મુદ્દો છે. થેલેસેમિયા મેજર રોગથી પીડિત દર્દીઓને દર 10-15 દિવસે બ્લડ ચડાવવું ફરજિયાત હોય છે, જેના કારણે તેમના શરીરમાં આયર્ન (Iron)નું પ્રમાણ અત્યંત વધી જાય છે. આ વધેલા આયર્નના કારણે દર્દીઓને હૃદય, લીવર, સ્વાદુપિંડ, ડાયાબિટીસ જેવી ગંભીર તથા જીવલેણ તકલીફો સર્જાય છે, ખાસ કરીને 18 વર્ષથી ઉપરના દર્દીઓમાં પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.