એક તરફ છેલ્લા ચાર વર્ષથી એકમેકને ભરી પીવા રશિયા અને યુક્રેન જંગે ચડ્યા છે અને અમેરિકા બ્રિટન સહિતના દેશોની મધ્યસ્થી છતાં બન્ને દેશ વચ્ચેનું યુદ્ધ પૂર્ણ થવાના કોઈ અણસાર નથી ત્યારે આગામી તા.11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રશિયા અને યુક્રેનનું ડેલિગેશન એકમંચ પર જોવા મળશે. રાજકોટ ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં યુક્રેન, જાપાન, કોરિયા અને રવાન્ડા દેશ એનેક્સર-સીમાં ભાગીદાર છે. જ્યારે રશિયાની એક કંપની અને ત્રણ વ્યક્તિગત રોકાણકારો મૂડી રોકાણના એમઓયુ કરનાર હોવાનું સામે આવ્યું છે.
આગામી 11 જાન્યુઆરીએ મારવાડી યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ ખુલ્લી મુકાશે. આ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂના એરપોર્ટથી કિસાનપરા ચોક સુધીમાં 2 કિલોમિટરનો રોડ શો કરશે.