ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી છરી વડે બનેવીને રહેંશી નાખ્યો હતો

રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે બહેને કરેલા પ્રેમ લગ્નનો ખાર રાખી ભાઈએ બનેવીને આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનામાં 22માં દિવસે ક્રાઈમ બ્રાન્ચ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી કમલેશ ધાંધળની ધરપકડ કરી છે.

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત તા.24 સપ્ટેમ્બરના બપોરના સમયે યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ગંભીર રીતે ઘાયલ યુવાનને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા ભક્તિનગર પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને LCB ઝોન – 1 સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનુ નામ વિમલ વાણીયા (ઉ.વ.27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું સામે આવ્યું હતુ. જેને એક યુવતી સાથે આજથી 7 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારથી યુવતીના પરિવારજનો આ લગ્નના વિરોધમાં હોવાથી તેની સાથે સબંધો તોડી દીધા હતા. મૃતક વિમલની પત્નીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, RC બુક લેવાના બહાને બોલાવી મારા ભાઈ કમલેશે મારા પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. હું અને મારો દીકરો નોંધારા થઇ ગયા છે. તે સમયે બહેને વલોપાત કરતા કહ્યું હતું કે, ભાઈને ફાંસીની સજા આપવી જોઈએ. આરોપી કમલેશે મૃતક યુવાન સાથે બોલાચાલી કરી બાદમાં છાતીમાં તેમજ શરીરના અન્ય ભાગમાં 6થી 7 ઘા મારી હત્યા નિપજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *