રાજકોટ રૂડા દ્વારા ચાર લાભાર્થીઓનાં આવાસ રદ કરાયા, 7 દિવસમાં રજૂઆત કરવા તાકીદ

રાજકોટમાં આવાસ મેળવ્યા બાદ નિયમિત હપ્તા નહીં ભરવાનું લાભાર્થીઓને ભારે પડ્યું છે. રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મહત્વનો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત જે લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી હપ્તાની રકમ જમા કરાવવામાં આવી ન હતી, તેવા ચાર આવાસધારકોના મકાનો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવ્યા છે. રૂડાની બેઠકમાં થયેલા ઠરાવ અનુસાર આ કાર્યવાહી કરાઈ છે. જોકે, લાભાર્થીઓને રજુઆત માટે 7 દિવસનો સમય અપાયો છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં જુદીજુદી સાઇટ ખાતે જરૂરિયાતમંદ પરિવારોને આવાસો ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણી બાદ નિયમિતપણે હપ્તા ભરવાના થતા હોય છે, પરંતુ આ પૈકી કેટલાક આવાસધારકો દ્વારા રૂડાનાં હપ્તા પેટે બાકી રહેતી રકમ આજદિન સુધી ભરવામાં આવી નથી. આ બાબતે તંત્ર દ્વારા આવા લાભાર્થીઓને વારંવાર લેખિત તેમજ મૌખિક જાણ કરાઈ હતી, છતાં આજ સુધી આવાસધારકો દ્વારા રૂડામાં બાકી રકમ જમા કરાવવામાં કોઈ જ રસ દાખવવામાં આવ્યો ન હતો. આ ગંભીર બેદરકારીને ધ્યાને લઈને રૂડાની બોર્ડ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેના આધારે આ પ્રકારના લાંબા સમયથી ડિફોલ્ટર આવાસધારકોનાં આવાસો ત્વરિત ધોરણે રદ કરવામાં આવ્યા છે.

કઈ સોસાયટીના ક્યા મકાનની ફાળવણી રદ કરાઈ?
જે આવાસધારકોના આવાસો આ કાર્યવાહી હેઠળ રદ કરવામાં આવ્યા છે તેમાં મુખ્ય ચારેય સોસાયટીઓની વિગતો રૂડા દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં (1) અવધ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.89)ના મકાન નંબર B-705, (2) વૃંદાવન હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.95)ના મકાન નંબર C-803, (3) ઓમ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.17, એફ.પી.33/એ)ના મકાન નંબર D-1002 અને (4) આદર્શ હાઉસિંગ કો. ઓપરેટીવ સર્વિસ સોસાયટી, રાજકોટ (ટી.પી.10, એફ.પી.32/એ)ના મકાન નંબર B-804નો સમાવેશ થાય છે. આ તમામ મકાનોની ફાળવણી હવે રદ ગણવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *