રાજકોટમાં માતાએ જ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી

રાજકોટના કુવાડવા રોડ પરની સોસાયટીમાં સવા બે વર્ષની બાળકીને પાંચમા માળેથી ફેંકી મોતને ઘાટ ઉતારનાર બીજું કોઈ નહીં, પરંતુ તેની જનેતા જ હોવાનું સામે આવ્યું છે. પતિ સાથે થઈ રહેલા ઝઘડાને લીધે પરિણીતા પોતાની બાળકી સાથે માવતર રહેતી હતી. તેણીને અન્ય પ્રેમસંબંધ હોવાના લીધે અને બાળકી ગમતી ન હોવાથી તેને પાંચમા માળેથી ફેંકી દીધાની માતાએ જ પોલીસને કબૂલાત આપી છે.

માતાએ ખોટી સ્ટોરી ઊભી કરી પોલીસને પણ ગુમરાહ કરી હતી
પરિણીતાએ 14 ઓક્ટોબરે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, 12 ઓક્ટોબરના સાંજે હું બાથરૂમમાં હતી ત્યારે મને મમ્મી-મમ્મી એવો અવાજ સંભળાયો. હું તરત બહાર નીકળી અને બધાના ઘરે પૂછવા ગઈ કે ઢીંગું અહીં છે? તો બધાએ કહ્યું કે અહીં નથી. જે બાદ હું ચોથા માળે બે ત્રણ ઘરે પૂછવા ગઈ તો ત્યાંથી પણ એવો જવાબ મળ્યો કે ઢીંગું અહીં નથી. જે બાદ હું પાંચમા માળે ગઈ તો બધા વાતો કરતા હતા કે, કોઈનું બાળક નીચે પડ્યું છે. હું લિફ્ટથી નીચે ગઈ તો મારી જ પુત્રી હતી. આટલી વાત જણાવતા સમયે મહિલા બેથી ત્રણ વાર બેભાન થવાનું પણ નાટક કર્યું હતુ. આ સમયે તેના મોઢા પર પાણી છાંટી જગાડ્યાં હતા.

4 ફૂટ ઊંચી દીવાલ પર બાળકી જાતે ચડી શકે તેમ ન હોવાથી શંકા દ્રઢ થઈ
ગત 12 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યા આસપાસ 2 વર્ષ અને 4 મહિનાની બાળકી સોસાયટીના પાંચમા માળેથી નીચે પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકી જ્યાંથી નીચે પડી તે જગ્યાએ 4 ફૂટ જેવી ઊંચી દિવાલ છે. આ દિવાલ પર બાળકી કોઇ રીતે જાતે ચડી શકે નહિ. આ જોતાં તેણીને કોઇએ ઊંચકીને ફેંકી દીધાની દ્રઢ શંકા નાના, મામા સહિતે દર્શાવતા બી-ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.

પીઆઈ જી.આર. ચૌહાણ સહિતની ટીમે તપાસ હાથ ધરી માતા, પરિવારજનો અને પડોશીઓ સહિત 15 લોકોની આકરી પૂછપરછ કરી હતી. પંચનામાની કાર્યવાહી બાદ બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં સવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *