જ્વેલર્સ પેઢીના કર્મચારીની લૂંટ વીથ મર્ડરના આરોપીઓ ઉદયપુરથી ઝડપાયા

રાજકોટમાં લૂંટ વિથ મર્ડરના કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે. શહેરના આજી જીઆઇડીસીમાં આવેલા તન્વી એક્સ્પોર્ટ ઇન્ડિયા લિમિટેડ નામના રિફાઇનરી યુનિટ બહાર તેના જ કર્મચારીને કારમાં આવેલા ચાર શખ્સોએ ગોળી મારી રૂ.1.53 કરોડના સોના-ચાંદીના દાગીનાનો થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતા. 14 ઓક્ટોબરના રાત્રિના 8:15 વાગ્યે બનેલી આ ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાનના ઉદયપુરમાંથી લૂંટારૂ ગેંગની ધરપકડ કરી છે. તપાસમાં તન્વી ગોલ્ડ એન્ટરપ્રાઇઝના કર્મચારીએ જ લૂંટની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે.પોલીસે તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે અને સાંજ સુધીમાં લૂંટારૂઓને રાજકોટ લાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનામાં પરપ્રાંતિય શખ્સોની ગેંગે ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે 4 લૂંટારૂઓ ઉપરાંત મદદગારી કરતા સહિતના 9 શખ્સોની ધરપકડ કરી લીધી છે.

આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને છાતીના ભાગે ગોળી મારતા ટૂંકી સારવારના અંતે મોત નિપજ્યું હતું. આ ઘટનાના નવા CCTV પણ સામે આવ્યા છે.

રાજકોટના થોરાળા પોલીસ મથકમાં બિપિન વીરડીયા દ્વારા 1,48,90,000ની કિંમતનું 946 ગ્રામ સોનુ, 4,30,000ની કિંમતનું 2 કિલો રિફાઇન ચાંદીનો ડસ્ટ પાવડર સહિતની લૂંટ ચલાવી 53 વર્ષીય લાલજી સરધારાને છાતીમાં ગોળી ધરબી લૂંટારૂઓ લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 1,53,20,000ની કિંમતના સોના ચાંદીની લૂંટ ચલાવવામાં આવી હતી.

કર્મચારીએ પ્રતિકાર કરતા લૂંટારુએ ફાયરિંગ કર્યું
શહેરના આજી વસાહત વિસ્તારમાં આવેલી તનવી ગોલ્ડના કર્મચારી લાલભાઈ સરધારા અંદાજિત 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર જઈ રહ્યા હતા. આ સમયે કારમાં આવેલા ત્રણથી ચાર લૂંટારુઓએ તેની પાસે રહેલો દાગીના ભરેલો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો. પરંતુ, લાલભાઈએ પ્રતિકાર કરતા લૂંટારુએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ફાયરિંગ કરી લૂંટ ચલાવી. લાલભાઈને છાતીના ભાગે ગોળી લાગતા સારવાર માટે ખાનગી હોસ્પિટમલાં ખસેડાયા. જ્યાં ટૂંકી સારવાર દરમિાયન તેમનું મોત નિપજ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *