ગેલેક્સી ગ્રૂપના5 સભ્યને રૂ.4.46 કરોડ ભરવા આદેશ

રાજકોટ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્ર રાજકોટ શહેર દ્વારા ભાગીદારી પેઢીમાં કરોડોની મિલકત સાથે ભાગીદારને દાખલ કરી બાદમાં આ મિલકત ભાગીદાર પેઢીમાં આવી ગયા બાદ મિલકત લાવનાર આસામી ભાગીદારી પેઢીમાંથી છૂટા થઇ જતા આ કિસ્સામાં શહેરના જાણીતા ગેલેક્સી ગ્રૂપના છ ભાગીદારને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી વસૂલાત માટે રૂ.3.71 કરોડથી વધુના દંડ સહિત રૂ.4.46 કરોડ ભરવા આદેશ કરવામાં આવ્યો છે.

રાજકોટની મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીમાં તા.20-03-2012માં રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા વર્ષ 2010માં દસ્તાવેજ અનુક્રમ નંબર 7073થી ખરીદેલી મિલકત લઈ ભાગીદારી પેઢીમાં જોડાય છે. જેમાં ભાગીદારી લેખમાં મિલકતની બજાર કિંમત રૂ.15,30,97,383 નક્કી કરવામાં આવે છે. જોકે, ભાગીદારી પેઢીમાં જોડાયેલ રવજીભાઈ ભાણજીભાઇ ભાડજાને ભાગીદારી ડીડમાં હકીકતમાં રૂ.75,01,773 વાપરવી પડે, પરંતુ ભાગીદારી પેઢીમાં 10 હજાર રૂપિયા જ સ્ટેમ્પ ડ્યૂટી વાપરવામાં આવી હતી અને ભાગીદારી પેઢીમાં મિલકત સાથે જોડાયેલા ભાગીદાર રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા બાદમાં ભાગીદારી પેઢીમાંથી નીકળી ગયા હતા.

આ પ્રકરણ સ્ટેમ્પ ડ્યૂટી મૂલ્યાંકન તંત્રના ધ્યાને આવતા ભાગીદારી પેઢીમાં મિલકત સાથે આવેલ ભાગીદાર મિલકત પેઢીને આપી નીકળી ગયા હોય સ્ટેમ્પ ડ્યૂટી રાજકોટ શહેર કચેરી દ્વારા મેસર્સ ખેડૂત પેઢીના ભાગીદાર એવા રવજીભાઈ ભાણજીભાઇ ભાડજા, રાજેશભાઈ ગોવિંદભાઇ પટેલ, કિરણભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રશ્મિકાંતભાઈ વાલજીભાઇ ભાલોડિયા, રજનીકાંત મોહનલાલ ભાલોડિયા અને નવીનચંદ્ર મોહનલાલ પટેલને મેસર્સ ખેડૂત નામની ભાગીદારી પેઢીના તમામ ભાગીદારોને ખૂટતી સ્ટેમ્પ ડ્યૂટી તેમજ વિવિધ કલમનાં દંડ સહિત કુલ રૂપિયા 4,46,22,601 રૂપિયા ભરવા હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *