રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે યોગ સંવાદ અને સ્નેહ મિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી પરંતુ જીવનશૈલી છે અને દરેક મહિલાનું રક્ષણકવચ છે, જે તેમને સ્વસ્થ શરીર અને શાંત મન આપે છે. તો ચેરમેન શીશપાલે સહજ શૈલીમાં સૌને યોગ ટ્રેનર બનવા માટે પ્રેરિત કર્યા હતા અને યોગ બોર્ડ સાથે ટ્રેનર-કોચ તરીકે જોડાવાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ ધ્યાન સત્ર પણ યોજાયું હતું. વર્ષ 2019 માં સ્થપાયેલું યોગ બોર્ડ હાલમાં રાજ્યમાં 1200 યોગ કોચ, 1,53,000 ટ્રેનર્સ અને 5000થી વધુ નિઃશુલ્ક યોગ કક્ષાઓ દ્વારા યોગનો વ્યાપક પ્રસાર કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં મેયર નયના પેઢડિયા, ધારાસભ્ય રમેશ ટીલાળા, ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમાર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ મહાપાલિકા દ્વારા પુનિતનગર પાણીના ટાંકા સામેના રોડ પર શ્યામલ વાટીકા પાસે બનાવવામાં આવેલી શ્રી મનસુખભાઇ છાપીયા ટાઉનશીપમાં રહેલી આઠ દુકાનોની જાહેર હરરાજી તા. 26ના સવારે 9 વાગ્યે સ્થળ પર રાખવામાં આવી છે. એસ્ટેટ વિભાગે જણાવ્યા મુજબ મીની સુપર માર્કેટ, દુધની ડેરી, કલીનીક, બ્યુટી પાર્લર, સલુન માટે વિશાળ પાર્કિંગ, લોનેબલ, દરેક દુકાનમાં અટેચ ટોયલેટ સહિતની સુવિધા સાથેની આ દુકાનોની હરાજીમાં ભાગ લેવા તા. 25 સુધીમાં મનપા એસ્ટેટ શાખા ત્રીજા માળે (ઢેબર રોડ) ખાતે રૂ. બે લાખ ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. ગ્રાઉન્ડ ફલોરની 8 દુકાનોની સાઇઝ 23.41 ચો.મી.થી માંડી 36.9 ચો.મી. છે. જેની અપસેટ કિંમત 20.80 લાખ, 32.30 લાખ અને 32.40 લાખ રાખવામાં આવી છે. દરેક આસામીએ 10 હજારના રાઉન્ડ ફીગરમાં બોલી લગાવવાની શરત છે.