રાજકોટથી દિલ્હી માટે વહેલી સવારે ઉડાન ભરતી ઇન્ડિગો એરલાઇનની ફ્લાઈટ આગામી ત્રણ દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. છેલ્લા એક મહિનાથી નિયમિત રીતે વહેલી સવારે 5.40 વાગ્યે દિલ્હીથી ટેકઓફ થઈ 7.30 વાગ્યે રાજકોટ પહોંચતી ફ્લાઈટ નંબર 6E 6557 અને પછી 8.05 કલાકે દિલ્હી માટે પરત જતી ફ્લાઇટ 6E 6558 ઓપરેશનલ કારણોસર ગઈકાલે અચાનક રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કેટલાક મુસાફરોને ફ્લાઇટ રદ થવાની માહિતી સમયસર ન મળતા તેઓ એરપોર્ટ સુધી પહોંચી ગયા હતા. ત્યાં પહોંચ્યા પછી ફ્લાઇટ કેન્સલ હોવાની જાણ થતાં તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા અને એરલાઇન સ્ટાફ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિને નિયંત્રિત કરવા એરલાઇને મુસાફરોની વાયા મુંબઈ મુસાફરીની વ્યવસ્થા કરી હતી, જ્યારે કેટલાકને રિફંડ પણ આપવામાં આવ્યો હતો. આ વહેલી સવારની ફ્લાઇટ મુખ્યત્વે વેપારીઓ અને બિઝનેસ ક્લાસના મુસાફરો માટે અગત્યની ગણાય છે. હાલ રાજકોટથી દિલ્હીની દૈનિક ચાર ફ્લાઇટ કાર્યરત છે. સવારે 10.10 કલાકે એર ઈન્ડિયા, સાંજે 5.55 કલાકે ઇન્ડિગો તથા રાત્રે 8.05 વાગ્યે એર ઈન્ડિયાની નિયમિત સેવા ચાલુ છે.
મળતી માહિતી મુજબ, ઓપરેશનલ સમસ્યાઓને કારણે ત્રણ દિવસ સુધી આ સવારની ફ્લાઇટ કામગીરી નહીં કરે. એરલાઇન દ્વારા મુસાફરોને મેસેજ મોકલીને આગામી દિવસોની કેન્સલેશનની માહિતી આપી દેવામાં આવી છે. લાંબા સમયથી ચાલી રહેલી માગણી બાદ ઇન્ડિગો એરલાઇન દ્વારા શરૂ કરાયેલી આ સેવા દરરોજ ભરપૂર ટ્રાફિક રહે છે.